ગુજરાત સ્ટેટ જુનિયર બાસ્કેટબોલ ચેમ્પિયનશીપમાં વડોદરાની બોયઝ અને ગર્લ્સ ટીમ ચેમ્પિયન
વડોદરા જિલ્લા બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા 2 થી 5મી જૂન 2022 દરમિયાન બોયઝ અને ગર્લ્સ (અંડર 18) માટેની ગુજરાત સ્ટેટ જુનિયર બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ 2022નું આયોજન વડોદરામાં કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરાની બોયઝ અને ગર્લ્સ ટીમ ઘર આંગણે ચેમ્પિયન બની હતી.
આ ચેમ્પિયનશિપમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 325 ખેલાડીઓએ ભાગ લીધો છે. લીગ કમ નોક આઉટ આધારે રમાયેલી ચેમ્પિયનશીપમાં છોકરાઓમાં 17ટીમો અને ગર્લ્સ વિભાગમાં 10 ટીમોએ ભાગ લીધો હતો. ગયા વર્ષે અમદાવાદ સામે એક પોઈન્ટથી હારી ગયેલી વડોદરાની બોયઝની ટીમે આ વખતે ફાઈનલમાં અમદાવાદને હરાવી ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી લીધી હતી. બરોડાની ગર્લ્સ ટીમ છેલ્લા 20 વર્ષથી અજેય રહી છે અને ચેમ્પિયનશિપ ટાઈટલ જીતીને પોતાનું વર્ચસ્વ ટકાવી રાખ્યું છે.
છોકરાઓના વિભાગમાં વડોદરા ટીમના અયાનખાન પઠાણને સમગ્ર ચેમ્પિયનશિપમાં મોસ્ટ વેલ્યુએબલ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો હતો અને તેને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જ્યારે અમદાવાદના મહિપાલ સિંહને મોસ્ટ પ્રોમિસિંગ પ્લેયર તરીકે જાહેર કરવામાં આવ્યો હતો અને તેને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ગર્લ્સ વિભાગમાં વડોદરા ટીમની વિદ્યાર્થીની નાઓમી લખનપાલને ચેમ્પિયનશિપની મોસ્ટ વેલ્યુએબલ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવી હતી અને તેને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જ્યારે અમદાવાદના ખ્વાઇશને મોસ્ટ પ્રોમિસિંગ ખેલાડી તરીકે જાહેર કરવામાં આવી હતી અને તેને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. નાઓમી લખનપાલની બેંગ્લોરમાં ભારતીય અંડર 18 કેમ્પ માટે પણ પસંદગી કરવામાં આવી છે.
Comments
Post a Comment