અમદાવાદમાં કોરોનાના ૪૪ નવા કેસ,માસ્ક માટે કડકાઈથી અમલ કરાશે

 માંડ થાળે પડેલી પરિસ્થિતિ બાદ અમદાવાદમાં ફરી એક વખત કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારો થવા પામ્યો છે.મંગળવારે દૈનિક કેસમાં તેર કેસનો વધારો થતા કોરોનાના નવા ૪૪ કેસ નોંધાયા હતા.હાલમાં અમદાવાદમાં કોરોનાના ૨૦૧ એકિટવ કેસ છે.વધેલા કોરોના સંક્રમણની સ્થિતિમાં આજથી શહેરના એસ.ટી.અને રેલવે સ્ટેશન ખાતે કોરોના ટેસ્ટિંગ ડોમ શરુ કરવાનો મ્યુનિ.તંત્રે નિર્ણય કર્યો છે.વધતા સંક્રમણને ધ્યાનમાં લઈ માસ્ક માટે પણ કડકાઈથી અમલ કરાશે.

૬ જુને શહેરમાં કોરોનાના ૩૧ કેસ નોંધાયા હતા.૭ જુને કેસની સંખ્યા વધીને ૪૪ સુધી પહોંચી જતા તંત્ર માટે પણ આ બાબત ચિંતાનો વિષય બનવા પામી છે.મ્યુનિના હેલ્થ વિભાગે શહેર બહારથી અમદાવાદમાં રોજબરોજ મોટી સંખ્યામાં આવતા લોકોના કોરોના ટેસ્ટ માટે એસ.ટી. તેમજ રેલવે સ્ટેશન ખાતે ટેસ્ટિંગ ડોમ શરુ કરવા જેવો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.મ્યુનિ.ના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ભાવિન સોલંકીએ  તંત્ર તરફથી શહેરીજનોને સંક્રમણ વધી રહ્યુ છે આ સ્થિતિમાં માસ્ક ફરજિયાત પહેરવા અપીલ કરાઈ છે.જો કે આ ગતિથી સંક્રમણ વધતુ રહેશે તો નજીકના દિવસોમાં માસ્ક માટે કડકાઈથી અમલ શરુ થવાની સંભાવના છે.

સાત દિવસમાં શહેરમાં ૨૧૭  કોરોનાના કેસ નોંધાયા

અમદાવાદમાં પહેલી જુને કોરોનાના ૨૧બીજી જુને ૨૭ત્રીજી જુને ૨૬,ચોથી જુને ૨૬ અને પાંચ જુને ૪૨ કેસ નોંધાયા હતા.છ જુને ૩૧ અને સાત જુને નવા ૪૪ કેસ નોંધાતા જુન મહિનાના પહેલા સપ્તાહમાં શહેરમાં કોરોનાના કુલ ૨૧૭ કેસ નોંધાવા પામ્યા છે.

૮૨૨૬ આર.ટી.પી.સી.આર.ટેસ્ટમાં ૧૪૨ લોકો કોરોના પોઝિટિવ

અમદાવાદ મ્યુનિ.ના આરોગ્ય વિભાગ દ્વારા પહેલી જુનથી પાંચ જુન સુધીમાં વિવિધ સેન્ટરો ઉપર કુલ મળીને ૮૨૨૬ લોકોના આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરવામાં આવ્યા હતા.આ પૈકી કુલ ૧૪૨ લોકોના કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.જુનના પહેલા પાંચ  દિવસમાં કુલ ૭૫૮ રેપીડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા આ પૈકી એક પણ ટેસ્ટમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો નહોતો.

હોસ્પિટલમા દાખલ દર્દીની સંખ્યા એકી આંકમાં,મોટાભાગના હોમઆઈસોલેશનમાં

શહેરમાં કોરોના સંક્રમણ વધવાની સ્થિતિમાં પહેલી જુને હોસ્પિટલમાં કોરોનાના ત્રણ દર્દી,બીજી જુને ચાર દર્દી સારવાર હેઠળ હતા.ત્રણ જુનથી પાંચ જુન સુધીના સમયમાં શહેરની વિવિધ હોસ્પિટલોમાં કોરોનાના માત્ર બે દર્દી સારવાર હેઠળ હતા.પહેલી જુને હોમઆઈસોલેશનમાં કોરોનાના ૧૩૭ દર્દી હતા.બીજી જુને ૧૫૦,ત્રીજી જુને ૧૬૩,ચાર જુને ૧૭૧ જયારે પાંચ જુને ૧૯૯ દર્દી હોમઆઈસોલેશનમાં સારવાર હેઠળ હતા.


x

Comments